ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ 30 લાખની નજીક, 16 દિવસમાં 10 લાખ કેસ

ભારતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અમેરિકા અને બ્રાઝિલ કરતા પણ ઝડપથી દેશમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 30,000,00ની નજીક પહોંચી ગયો છે. આ આંકડો પાર કરનારો ભારત ત્રીજો દેશ બનશે. ભારતમાં શુક્રવારે 68,000 કરતા વધારે કેસ નોંધાયા છે જે બાદ 30,000,00નો આંકડો પહોંચવામાં માત્ર 30,000 કેસ બાકી છે.

શુક્રવારે દેશમાં 68,682 નવા કેસ નોંધાયા, આ ત્રીજા નંબરના સૌથી વધારે કેસ છે જે એક દિવસમાં નોંધાયા છે. રાજ્યો પાસેથી મળેલા આંકડા પ્રમાણે ભારતના કુલ કેસનો આંકડો 29,71,112 થયો છે. સતત ત્રીજા દિવસે 950 કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં શક્રવારે વધુ 958 કેસ નોંધાતા કુલ મૃત્યુઆંક 55,858 થયો છે.

શનિવારે ભારત 30,000,00 કેસનો આંકડો પાર કરી લેશે તો, માત્ર 16 દિવસમાં 10,000,00 કેસ વધશે. આ રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કૂદકે-ભૂસકે કેસ વધી રહ્યા છે.

અમેરિકા, બ્રાઝિલ અને ભારતની વાત કરીએ તો 10,000,00 કેસ સુધી પહોંચતા અમેરિકાને 98, બ્રાઝિલને 114 અને સૌથી વધુ 138 દિવસ ભારતને લાગ્યા હતા, જોકે, આ પછી ભારતમાં સતત અને ઝડપી કેસ વધી રહ્યા છે. 20,000,00થી 30,000,00 (ભારતમાં 30 લાખ કેસ આજે થઈ શકે છે.) કેસ પહોંચતા બ્રાઝિલને 23 દિવસ લાગ્યા જ્યારે અમેરિકાને 28 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતને આ આંકડો પાર કરવામાં સૌથી ઓછા (16) દિવસ લાગ્યા.

જોકે, ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ટોચ પર રહેલા બાકી બે દેશો કરતા ઘણો ઓછો છે. અમેરિકામાં કોરોનાના કારણે 1.3 લાખ અને બ્રાઝિલમાં 1 લાખ કરતા વધુ લોકોનો મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 55,858 દર્દીઓના મોત થયા છે.

આ સાથે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો શુક્રવારે પ્રમાણે 7 લાખ છે, જ્યારે 15 દિવસ પહેલા આ આંકડો 6 લાખ હતો. એક્ટિવ કેસ 5 લાખથી 6 લાખ થતા 9 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેસ સતત વધી રહ્યા છે જેની સામે ઝડપથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

શુક્રવારે 4 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે જે આ પ્રમાણે છે- પશ્ચિમ બંગાળ (3,245 નવા કેસ), ગુજરાત (1,294), હરિયાણા (1,203) અને મધ્યપ્રદેશ (1,147). મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ તેમના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છઠ્ઠા મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 14,000 કરતા વધારે કેસ નોંધાયા છે- રાજ્યમાં 14,161 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 6.5 લાખને વટાવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *